શિક્ષિકા બનવાનો વિચાર કર્યો અને તે અંગે તાલીમ લેવી શરૂ કરી ત્યારે શિક્ષણના ઘણા બધા પહેલુથી હું અજાણ હતી. મનમાં એક ભાવે ખૂબ ગર્વ થતો કે “હું શિક્ષિકા બની અને આવતીકાલના ભવિષ્યને ઘડવા જઈ રહી છું.”
બે વર્ષના તાલીમકાળ દરમિયાન એકવાર જીલ્લા નિરીક્ષક સાહેબ અમારા અધ્યાપન મંદિરની મુલાકાતે આવેલા. તે સમયે કાર્યક્રમનું સંચાલન મને સોંપવામાં આવ્યું હતું. જીલ્લા નિરીક્ષક સાહેબે બધાને એક સરળ પ્રશ્ન પૂછ્યો.. “બે વર્ષની તાલીમ પૂરી કરીને તમે શું કરશો? શું બનશો?”
ઘણા બધાએ ખૂબ ઉત્સાહથી એક સૂરે જવાબ આપ્યો હતો “અમે બધા બાળકોને ભણાવીશું, શિક્ષક બનશું, ટીચર બનશું.”
આ સમયે નિરીક્ષક સાહેબ બધાના જવાબો સાભળીને મૂછમાં હસી રહ્યા હતા તો મને લાગ્યું કે આ પ્રશ્ન પૂછવા પાછળ કોઈ મહત્વની વાત જણાવવાનો તેમનો ઇરાદો હોવો જોઈએ. કારણ કે, બધા જાણતા હતા કે તાલીમ પૂરી થતા શાળાના શિક્ષક જ બનવાના, બાળકોને ભણાવવાના…!
થોડી વારે સાહેબે મલકાતા કહ્યું કે તમે જો બાળકોને ભણાવશો તો તમે શિક્ષિકા તો કહેવાઓ નહિ…!
આ વાક્ય સાંભળતાં બધા આશ્ચર્યથી એક બીજા સામે જોવા લાગ્યા.
તમણે ફરી તેમની વાત આગળ વધારી અને કહ્યું: “ટીચે તે ટીચર, અને ભણાવે તે ભોટ.”
“વિદ્યાર્થીને ભણતા કરે એનું નામ શિક્ષક.”
તે સમય થી મારા મનમાં આ વાત વસી ગઈ અને એમ થયું કે હું ખરેખર શિક્ષિકા બનીશ. બાળકોને ભણતા કરીશ.
કહે છે ને કે જેની તમે તીવ્ર ઈચ્છા રાખો તેના માટે આખી સૃષ્ટી કામે લાગી જાય છે…. અને કંઈક એવી જ રીતે હું ઓરા સાથે જોડાઈ… શિક્ષિકા તરીકે…! અહીં આવતા, અહીંની અભ્યાસ પદ્ધતિને ઊંડાણ માં સમજતા લાગ્યું કે મારી શોધ અહીં પૂરી થઈ. શક્ય એટલા પ્રયોગો કરી બાળકોના સર્વાંગી વિકાસ માટેનું માધ્યમ એટલે ઓરા. બાળકોની સાથે સાથે કુમાર- કિશોરીઓ, યુવાઓ, વાલીઓ, માતાઓ અને શિક્ષકો સાથે પણ કામ થાય છે. જેનાથી બાળકોના આસપાસ નાં વાતાવરણ માં તેની સાથે જોડાયેલા લોકોની સમજને વિસ્તૃત બનાવી શકાય જે બાળકનાં સર્વાંગી વિકાસમાં લાભદાયી બને.
ઓરામાં બાળકો પોતાની જાતે અભ્યાસ કરી શકે, પ્રશ્નો કરે, શોધ કરે, પ્રયોગો કરી અનુભવો મેળવે તેવું વાતાવરણ આપવામાં આવે છે. જેના દ્વારા તેઓ પોતાની જાતને સમજીને તેમની સાથે જોડાયેલા લોકો, કુટુંબ, મિત્રો, સમાજને સમજવાનો પ્રયાસ કરે છે. આસપાસ ચાલતી ઘટનાઓ, સમસ્યાઓ અંગે ચર્ચા કરી પોતાની આગવી સૂઝ સાથે કોઈ પહેલનો નિર્ણય લઈ શકે છે. આમ, સામાન્ય અભ્યાસની સાથે બાળકો પોતાના અલગ અસ્તિવને અલગ રીતે જોઈ, અનુભવી શકે છે.
બાળકો આ બધું સહજતાથી કરી શકે અને શિક્ષક તેમાં તેનો ભાગ સારી રીતે ભજવી શકે તે માટે ઓરામાં રહેલા દરેક શિક્ષકને સમયાંતરે યોગ્ય તાલીમ અપાય છે. મને ગર્વ છે કે હું ઓરાનો ભાગ છું, ખરા અર્થમાં શિક્ષિકા છું અને શિક્ષકોને તાલીમ આપવામાં પણ કાર્યરત છું.